જોડિયા તાલુકાના લખતર ગામથી કેશિયા ગામ તરફ બાઈક પર જતાં વેપારી યુવકને પાછળથી આવી રહેલા બે બાઈકચાલકે આંતરીને છરી બતાવી બેગમાંથી રૂા.70 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી બેગ ફેકી દઇ નાશી ગયાના બનાવમાં પોલીસે ચાર લૂંટારુઓની શોધખોળ આરંભી હતી.

લૂંટના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતો મિત કિરીટભાઈ ગોદવાણી (ઉ.વ.20) નામનો વેપારી યુવક શુક્રવારે રાત્રિના 08:30 વાગ્યાના અરસામાં તેના એચઆર-31-એચ-7686 નંબરના બાઈક પર ધ્રોલથી કેશિયા તરફ જતો હતો ત્યારે લખતર ગામ નજીક આવેલા ઓવરબ્રિજ પછીના કાચા રસ્તા પર પહોંચ્યો ત્યારે પાછળથી બે બાઈક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ વેપારી યુવકના બાઇકને આંતરી લીધું હતું અને ત્યારબાદ બાઈક પર આવેલા ચાર લૂંટારુ પૈકીના એક યુવકને છરી બતાવી તેની પાસે રહેલી બેગ લૂંટી લીધી હતી અને ત્યારબાદ બેગમાં રહેલી રૂા.70 હજારની રોકડ રકમ કાઢી લઇ બેગ ફેંકી દીધી હતી. ચારેય લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યા બાદ રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતાં. આ બનાવ અંગેની વેપારી યુવક દ્વારા જાણ કરાતા પીઆઈ આર.એસ. રાજપુત તથા સ્ટાફે ચાર લૂંટારુઓ વિરૂધ્ધ ગુનો નોંધી સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી હતી અને 25 થી 30 વર્ષના ચાર ચૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.