કાલાવડ તાલુકાના બેડિયા ગામે તસ્કરોએ મધરાતે પોણા આઠ લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની આ ઘટના અંગે મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યો છે.
કાલાવડ તાલુકાના બેડિયા ગામે રહેતાં અને ખેતી તેમજ વ્યાપાર કરતા ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના મકાનમાં 13 અને 14 એપ્રિલની મધરાત્રે તસ્કરો ત્રાટકયા હતાં. મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ રૂમનો દરવાજો ખોલી લાકડાના કબાટમાં આવેલી તિજોરીનું લોક તોડી નાખ્યું હતું અને તેમાંથી પોણા ત્રણ તોલાનું મંગળસૂત્ર તથા ચાર તોલાની સોનાની બંગડીઓ, પાંચ તોલાના સોનાના પંજા, દોઢ તોલાનો સોનાનો ચેઈન, દોઢ તોલાની સોનાની વીંટી, સવા તોલાની બુટી તથા એક નથબંધી અને સોનાનું પેંડલ, છ તોલા વજનનો સોનાનો ચેઈન તથા પટ્ટો, એક તોલાની સોનાની નાની લકક્ી, ત્રણ તોલાનો હાર, સાડા ત્રણ તોલાની રૂદ્રાક્ષની માળા, ચાંદીની એક ગાય, ચાંદીના સાંકળા, ચાંદીના સીક્કા વગેરે મળે અંદાજિત રૂા.7.62 લાખની કિંમતના 30 તોલાના સોનાના ઘરેણા ચોરી કરી ગયા હતાં. આ ઉપરાંત તીજોરીમાં રાખેલા રૂા.14 હજારની રોકડ રકમ પણ તસ્કરો ઉઠાવી ગયા હતાં. આમ કુલ કબાટની તિજોરીમાંથી રૂા.7,76,000 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને અંધારામાં અલોપ થઈ ગયા હતાં. ઘરફોડ ચોરીની આ ઘટના અંગે ભગીરથસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજ્ઞાત તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનાની જાણ થતા જ સબ ઈન્સ્પેકટર એચ.વી. પટેલ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને તસ્કરોનું પગેરૂ મેળવાવ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બેડિયા ગામે થયેલી પોણા આઠ લાખની માતબર રકમની ઘરફોડ ચોરીની ઘટનાને લઇને સમગ્ર કાલાવડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આટલી મોટી રકમની ચોરી થતા તસ્કરોને જાણે કે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ પોલીસને શાખને પણ ફટકો પહોંચ્યો છે.


