ખંભાળિયાના ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા બે આસામીઓના રહેણાંક મકાનમાં રવિવારે તસ્કરોએ ત્રાટકી, દાગીના તેમજ રોકડ મળીને કુલ રૂપિયા 1.12 લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના ધરમપુર ગામની સીમમાં લાલપુર રોડ પર રહેતા વિજયભાઈ કાનજીભાઈ ચોપડા નામના 35 વર્ષના સતવારા યુવાનના રહેણાંક મકાનના દરવાજાના નકુચા તોડી અને રવિવારે સવારે 8 થી બપોરે 1:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમના ઘરમાં રહેલા કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા 45,000 રોકડા તથા રૂપિયા 8,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 53,500 નો મુદ્દામાલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા.
આટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતા અન્ય એક આસામી રાજેન્દ્રભાઈ લખુભાઈ નકુમના રહેણાંક મકાનમાંથી પણ આ જ રીતે તસ્કરો કબાટમાં રહેલા રૂપિયા 25,000 રોકડા તથા રૂપિયા 33,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 58,500 નો મુદ્દામાલ ઉસેડી ગયા હતા.
આમ, ધરમપુર વિસ્તારમાં રહેતા બે આસામીઓના રહેણાંક મકાનમાંથી કુલ રૂપિયા 1,12,000 ના મુદ્દામાલની ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે વિજયભાઈ ચોપડાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


