જામનગર શહેર નજીક કનસુમરા પાટીયા પાસે આવેલા મયુર એવન્યુમાં રહેતા યુવાન તેના પરિવાર સાથે ગામડે પ્રસંગે ગયા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર નજીક કનસુમરા ગામના પાટીયા પાસે આવેલા આહિર ક્ધયા છાત્રાલય પાસે મયુર એવન્યુ બાલવી કૃપા પ્લોટ નં.314/5 માં રહેતાં જયેશ નરશીભાઈ અપારનાથી (ઉ.વ.30) નામનો યુવાન તેના પરિવાર સાથે ગામડે પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતાં તે દરમિયાન તા.24ના સવારે 9:30 થી તા.26 નવેમ્બરના સવારે 7 વાગ્યા સુધીના સમય દરમિયાન બંધ રહેલા મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું અને દરવાજાના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટમાંથી આઠ હજારની રોકડ, ચાર હજારની કિંમતની ચાંદીની બંગડી એક જોડી, ચાર હજારની કિંમતના એક જોડી ચાંદીના સાંકળા, પાંચ હજારની કિંમતના ચાંદીના બે નાના સાંકળા, સોનાના ચેઈનનો આંકડિયો, રૂા.1500 ની કિંમતના કાનમાં પહેરવાનો સોનાનો દાણો, રૂા.1500 ની કિંમતનો નાકમાં પહેરવાનો સોનાનો દાણો, એક ઘડિયાળ મળી કુલ રૂા.26,300 ની માલમતાની ચોરી કરી ગયા હતાં.
બહારગામ પ્રસંગેથી પરત ફરેલા અપારનાથી પરિવારે તેમના મકાનમાં ચોરી થયાનું જણાતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.