ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે રખડતા ખૂંટિયાઓના ત્રાસથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
ખંભાળિયાના વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં ગઈકાલે એક આખલાએ આતંક મચાવતા આ સ્થળેથી પસાર થતા બે-ત્રણ વ્યક્તિઓને હડફેટે લીધા હતા. આ ઉપરાંત તોફાને ચડેલો આ આખલો પસાર થતા વ્યક્તિઓ પર હુમલો કરતો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને કરવામાં આવતા પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ આ સ્થળે દોડી ગયા હતા અને સતત બે કલાકની જેમ જ બાદ આ આખલાને પકડી લઈ તેને વોટરવર્કસ પાસે મૂકી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આખલાને ડબ્બે પુરવા માટેનું દિલ ધડક ઓપરેશન નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રાસ્તે રઝળતા ખૂંટિયાઓનો ત્રાસ વધી ગયો છે. જે અંગે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ ખંભાળિયા શહેર કે આસપાસના વિસ્તારમાં કોઈ સ્થળે પાંજરાપોળ કે ગૌશાળા આ આખલાઓ રાખવા માટે ન હોવાથી આવા ઢોરને પકડવા નગરપાલિકા તંત્ર તૈયાર છે, પરંતુ રાખવાની સમસ્યા વધુ મોટી હોવાથી તેનું નિવારણ આવતું નથી. આ માટે કોઈ સંસ્થા કે સેવાભાવીઓ તૈયાર થાય તે માટેની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.