ખંભાળિયા તાલુકામાં સમયાંતરે અવાર-નવાર દેશી તથા વિદેશી દારૂ ઉપર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવી, મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. ખંભાળિયા પંથકમાં ગત વર્ષે પણ નોંધપાત્ર માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 2019-20 દરમ્યાન ખંભાળિયા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી બુટલેગરો પાસેથી જપ્ત કરવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડના પરપ્રાંતીય શરાબના જથ્થાને પોલીસ પહેરા હેઠળ સંગ્રહિત કરવામાં આવી હતી. છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમ્યાન મળી આવેલી રૂપિયા 18,60,300 ની કિંમતની 5932 બોટલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા અંગેના કરવામાં આવેલા હુકમના અનુસંધાને આજરોજ સવારે ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર એસ.પી. કચેરી પાસે એક જગ્યામાં આ તમામ દારૂની બોટલોને ગોઠવી, તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અહીંના પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડા, ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્વામી, ખંભાળીયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી. વાગડીયા, નશાબંધી વિભાગના પી.આઈ. વાળા સહિતના અધિકારીઓ-કર્મચારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ખંભાળિયા પંથકમાં ઝડપાયેલા વિદેશી દારૂ પર ફર્યું બૂલડોઝર
રૂ. 18.60 લાખની કિંમતના દારૂનો કરાયો નાશ