અમેરિકામાં ફુગાવો ચાર દાયકાની સૌથી ઊંચી સપાટીએ આવતા શુક્રવારે અમેરિકન શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર વધ્યો અને ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારશે એવી શક્યતાઓ વચ્ચે બોન્ડના યિલ્ડ વધ્યા હતા. સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ 1100થી વધુ અંકોના કડાકે ખુલ્યાં બાદ 10 કલાકે ઈન્ડેકસ 1500 ઘટીને 52,800 નીચે અને નિફ્ટી 450 પોઇન્ટ ઘટી 15,742ની સપાટીએ પટકાયા છે. આજે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાંથી માત્ર એક જ ઇંઞકનો શેર 0.15% જ અપ છે બાકી તમામ 29 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીના 50માંથી 3 શેર સામાન્ય સુધારો દર્શાવી રહ્યાં છે.
બજારને આજે નીચે ધકેલવાનું કામ બેંકિંગ શેર,આઇટી શેર અને બજાજ બંધુઓ કરી રહ્યાં છે. સેન્સેક્સના કડાકામાં 226 અંકોનો ફાળો રિલાયન્સનો તો આઇસીઆઇસીઆઇ બેંક 185 અંક અને ઈન્ફોસિસ 150 અંકનું યોગદાન આપી રહ્યાં છે. આજના સત્રમાં સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય આઇસીઆઇસીઆઇ બેંક પણ 4.25%થી વધુ ગગડ્યો છે.
આજના સત્રમાં બ્રોડર માર્કેટમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. 1:4ના એડવાન્સ ડિક્લાઈન રેશિયો સાથે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ પણ 2.25% તૂટ્યાં છે.
બીએસઈ ખાતે બંને ઈન્ડેક્સ અનુક્રમે 22,000 અને 25,200ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે 518 વધનારા શેરની સામે 2453 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો 125 શેરમાં કોઈ ફેરફાર નથી. આજના સત્રમાં 190 શેરમાં લોઅર સર્કિટ તો 139 શેરમાં અપર સર્કિટ છે પરંતુ 50 શેરમાં 52 સપ્તાહની ટોચ જોવા મળી છે તો 147 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે. બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.