Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયસંસદનું બજેટ સત્ર ધોવાયું, પાંચ વર્ષમાં સૌથી ઓછું કામ

સંસદનું બજેટ સત્ર ધોવાયું, પાંચ વર્ષમાં સૌથી ઓછું કામ

અદાણી મામલે વિરોધ પક્ષો અને સત્તારૂઢ પક્ષના ભારે ધાંધલ-ધમાલ અને શોરબકોરની વચ્ચે સંસદના બન્ને ગૃહોની કામગીરી બજેટ સત્રના અંતિમ દિવસે પણ ખોરવાઇ હતી. બીજો તબક્કો કુલ 25 દિવસનો હતો. જે મોટાભાગે કોઇ પણ ખાસ કામગીરી વગર ધોવાઇ ગયો હતો. આ ગાળામાં મહત્વના ફાયનાન્સ બિલ સહિત છ બિલો કોઇપણ ચર્ચા વગર પસાર થઇ ગયા હતા. આ સત્ર 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી વિરામના દિવસોને બાદ કરીએ તો 66 દિવસ સુધી ચાલ્યું હતું. રાજ્યસભામાં 2019 પછી સૌથી ઓછી ઉત્પાદકતા નોંધાઇ હતી. આ સત્રમાં ગૃહની કામગીરી તેના નિયત સમયના 24 ટકા જેટલી જ શક્ય બની હતી.

- Advertisement -

લોકસભામાં સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ તેમના સંબંધિત ગૃહોમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે પણ વિરોધ પક્ષના સભ્યો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા.

વિરોધ પક્ષો અદાણી મુદે સંયુક્ત સંસદીય કમિટી દ્વારા તપાસની માગણી માટે દબાણ કરી રહ્યા હતા તો ભાજપના સભ્યો બ્રિટનમાં ‘લોકશાહી ખતરામાં’ છે તેવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કથિત ટિપ્પણી બદલ તેમનાથી માફીની માગણી કરી હતી. વિરોધ પક્ષોએ અદાણી સામે ફ્રોડના આક્ષેપોમાં જેપીસી તપાસની માગણીના ટેકામાં સુત્રોચ્ચાર કર્યા હતા અને પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. બિરલાએ કહ્યું હતું કે ‘તમે ગૃહની ગરિમાનું હનન કર્યું છે. આ વર્તન સંસદીય સિસ્ટમ અને દેશ માટે યોગ્ય નથી. આ ગૃહ કાયમ માટે ચર્ચા અને વાતચીતનું ઉચ્ચસ્તર જાળવવા માટે જાણીતું છે. પરંતુ તમે સિસ્ટેમેટિકલી કાર્યવાહી ખોરવી છે. જે સારું નથી.’ ત્રણ બિલો રજૂ કરાયા હતા.

- Advertisement -

જેમાં ફોરસ્ટ એમેન્ડમેન્ટ બિલ, 2023 સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દેવાયું છે. જોકે બજેટ સત્રના બન્ને ગૃહોમાં પહેલા તબક્કામાં કામગીરી સારી રહી હતી. લોકસભામાં ઉત્પાદકતા પ્રથમ તબક્કામાં 83.80 રહી હતી. જે બીજા તબક્કામાં ઘટીને 5.29 ટકા રહી હતી. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે ગૃહમાં માહિતી આપી હતી કે બજેટ સત્રના પ્રથમ ભાગમાં ઉત્પાદકતા 56.3 ટકા હતી. જે બીજા તબક્કામાં ઘટીને 6.4 ટકા જ રહી હતી. સત્ર સમાપન સંબોધનમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અંગે 14.45 કલાક સુધી ચર્ચા થઇ હતી. તેમાં 145 સાંસદોએ ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular