ભાણવડના મોટા ગુંદા ગામે શ્રમિક પરિવારના ભાઈ-બહેનને વિજશોક લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતાં. બંને ભાઈ-બહેનને ભાણવડના સરકારી દવાખાને લઇ જવાયા હતાં. પશ્રંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કરતા માતમ છવાઈ ગયો હતો.
બનાવની પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ભાણવડ જામ ખંભાળિયા હાઈ-વે માર્ગ ઉપર આવેલ મોટા ગુંદા ગો કેશવજી માવજી પાડલિયાની વાડી આવી છે. ત્યાં મધ્યપ્રદેશથી છેલ્લાં ચાર વર્ષથી બાબુભાઈ ડામોર પરિવાર સાથે ખેતમજૂરી માટે આવ્યા હતાં.
દંપતી મજૂરી કામ કરતા હતાં ત્યારે વાડીમાં આવેલ ઓરડીના દરવાજો બાળકોએ ખોલતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. બંને ભાઈ-બહેન ગંભીર રીતે દાજી ગયા હતાં. આથી 108 મારફત વિનોદ બાબુ ડામોર (ઉ.વ.15) અને તેની બહેન પ્રિયંકા બાબુ ડામોર (ઉ.વ.12) ને ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતાં. પરંતુ સ્થિતિ અતિ ગંભીર હોવાથી ફરજ પરના તબીબે બંને ભાઈ-બહેનને મૃત જાહેર કર્યા હતાં.
કરૂણ બનાવથી શ્રમિક પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું. માતા-પિતા એ ફુલ જેવા બાળકો ગુમાવ્યા હોવાથી કલ્પાંત મચાવી દીધો હતો. ઘટનાથી મોટા ગુંદા ગામમાં શોકની લાગણી છવાઈ હતી.


