જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટના વેપારીઓ અને પોલીસ વચ્ચે આજે બપોરે ઘર્ષણ થતાં વેપારીઓએ માર્કેટ બંધ કરી દીધી હતી. અને વેપારીઓની માંગણી સંતોષાઇ તો જ માર્કેટ ફરીથી ખોલવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટમાં આજે બપોરે પીએસઆઇ અને તેમના સ્ટાફ દ્વારા વેપારીઓ સાથે ઓરમાયુ વર્તન કરાતા વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને કારણે વેપારીઓમાં રોષ ફેલાઇ જતાં સિંધી માર્કેટ બંધ કરી દેવામાં આવી હતી. મામલો વધુ ગરમાતા સિંધી માર્કેટના પ્રમુખ અને આગેવાનો સહિતના વેપારીઓ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. અને પીઆઇ એમ.જે.જલુને પીએસઆઇના ઓરમાયા વર્તનની રજૂઆત કરી વેપારીઓએ તેમની માંગણીઓ માટે યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી કરવામાં આવે તો જ માર્કેટ ફરીથી ખુલશે તેવી ચીમકી આપી હતી.