આ કેસની વિગત મુજબ જામનગર શહેરમાં આશિષ ઉદ્યોગના નામે બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં આશિષ કિશોરભાઈ મહેતાએ નિરવ ઈન્ટરનેશનલના પ્રોપરાઇટ લલિત ફોફરિયાને રૂા.7,41,000 ની કિંમતના બ્રાસના ટયુબવાલ્વ મોકલ્યા હતાં. આ માલ પેટેના નાણાંની ચૂકવણી માટે લલિતએ આપેલો ચેક આશિષભાઈએ તેના ખાતામાં જમા કરાવતા આ ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો. જેથી ફરિયાદીએ તેના વકીલ મારફતે નોટિસ મોકલી હતી. તેમ છતાં રકમની ચૂકવણી ન કરતાં આખરે ફરિયાદીના વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય.જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નીતેશ મુછડિયા દ્વારા ધી નેગોશીયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ અન્વયે અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદીની જુબાની બાદ આરોપી તરફે તકરાર લેવામાં આવેલ કે, ‘ચેકમાં અલગ અલગ અક્ષરો છે, તેમજ લેણી રકમનો ચેક આપેલ જ નથી અને ફરિયાદી પાસેથી આરોપી લલિતએ બ્રાસનો કોઇ સામાન લીધો નથી અને ફરિયાદીએ આરોપીના ચેકનો ગેરઉપયોગ કરી ખોટો કેસ કર્યો છે’ આ પ્રકારની તકરારો અને બચાવ કરવામાં આવ્યાં હતાં તેમજ ફરિયાદીનું કોઇ કાયદેસરનું લેણું છે જ નહીં અને તેથી કોઇ રકમ ચૂકવવાની થતી નથી.
તેની સામે ફરિયાદી આશિષના વકીલના રાજેશ ગોસાઈ તથા તેની ટીમ દ્વારા ‘વેપારી વ્યવહાર અન્વયેની હાલની આ ફરિયાદ છે અને વેપારીઓ વચ્ચેના વિશ્ર્વાસના સંબંધોના ભંગ સમાન આ પ્રકારે બ્રાસનો માલ ખરીદી કર્યા બાદ ચેક આપી રિટર્ન થયેલ હોય તે ગંભીર બાબત છે’ અને આરોપીને સખ્ત સજા કરવાની ધારદાર દલીલો અને રજૂઆતોને અદાલતે માન્ય રાખી આરોપી લલિત ફોફરિયાને બે વર્ષની સજા અને ફરિયાદીને દંડ પેટે રૂા.7,41,000 ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.