જામનગર શહેરમાં મીગકોલોની પરના માર્ગ પરથી પોલીસે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી 104 બોટલ દારૂ મળી આવતા રૂા.3.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. જામનગરના મુંગણી ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમિયાન 19 બોટલ દારૂ કબ્જે કરી શખસની શોધખોળ આરંભી હતી.જામનગર તાલુકાના ગાગવા ગામની ગોલાઈમાંથી બે શખ્સોને ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે ઝડપી લીધા હતાં.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં મીગકોલોની પરના માર્ગ પરથી પસાર થતી જીજે-10-સીએન-6558 નંબરની કારને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.52 હજારની કિંમતની દારૂની 104 બોટલો મળી આવતા પોલીસે પ્રફુલ્લ ઉર્ફે મમરો જગદીશ ભદ્રા અને લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણી નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.500 ની કિંમતના મોબાઇલ અને ત્રણ લાખની કિંમતની કાર મળી કુલ રૂા.3,52,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં કચ્છના રાહુલ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે રાહુલની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં રવિરાજસિંહ ઉર્ફે ભાણેજ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિક્કા પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.9500 ની કિંમતની 19 બોટલ દારૂ મળી આવતા રવિવરાજસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ગાગવા ગામની ગોલાઈ પાસેથી પસાર થતા હરદીપસિંહ કેશુભા કંચવા અને હરપાલસિંહ ભગુભા જાડેજા નામના બે શખ્સોને પોલીસે આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા રૂા.60 હજારની કિંમતના બે મોબાઇલ અને દારૂ મળી કુલ રૂા.61000 ના મુદ્દામાલ સાથે બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી.
જામનગરમાં મીગકોલોનીમાં કારમાંથી દારૂની બોટલો મળી આવી
104 બોટલો સાથે બે શખ્સ ઝડપાયા : મુંગણીમાં રહેણાંક મકાનમાંથી 19 બોટલ દારૂ ઝડપાયો : બુટલેગરની શોધખોળ : ગાગવા ગામની ગોલાઈમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે