દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયા બાદ છેલ્લા એક સપ્તાહથી અટકળો, અનુમાનો તેમજ શરતોનો દૌર ચાલ્યા બાદ ગઈકાલે તમામ પ્રકારની ઇન્તેઝારીનો અંત થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 81-ખંભાળિયા તથા 82-દ્વારકા વિધાનસભા બેઠક માટેની ચૂંટણીની મતગણતરી જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના વિશાળ બિલ્ડીંગમાં યોજવામાં આવી હતી. જે માટે તંત્ર દ્વારા તમામ સુચારુ તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂતીથી ગોઠવવામાં આવી હતી.
ગુરુવારે સવારે આઠ વાગ્યાથી જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એ. પંડ્યા તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, પાર્થ તલસાણીયા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ વિગેરે દ્વારા વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો હતો. ચૂંટણીના પ્રારંભે ધીમી મત ગણતરીમાં ખંભાળિયા બેઠક માટેના પ્રથમ રાઉન્ડ બે રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારએ 2253 અને 3215ની લીડથી ભાજપના ઉમેદવાર કરતા આગળ રહ્યા હતા. જે સિલસિલો તેમણે ત્રીજા, ચોથા અને પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાથે ટક્કર આપી અનુક્રમે 3823, 3769 અને 6408 મતની લીડથી બરકરાર રાખ્યો હતો. બાદમાં ખંભાળિયા શહેર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મત પેટીઓ ખુલતા આમ આદમી પાર્ટીની વધતી જતી લીડ સતત ઘટતી ગઈ હતી. જેમાં સાતમા અને આઠમા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા કરતા લીડ ઘટીને 4135 અને 1153 થઈ જવા પામી હતી. આ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈશુદાન ગઢવીના મત હરીફ ઉમેદવાર મુળુભાઈ બેરા કરતા ઘટતા જતા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ચહેરા ઈસુદાન ગઢવીએ મતગણતરીના અંતે કુલ 59089 મત મેળવ્યા હતા.
ખંભાળિયા ભાણવડ બેઠકના ઉમેદવાર મુળુભાઈ બેરા કે જે અગાઉ પણ ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. ઉપરાંત 2014માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય પામ્યા હતા. તેઓએ આ ચૂંટણી જંગમાં મજબૂત ટક્કર આપી અને 77834 મત મેળવ્યા હતા. જ્યારે છેલ્લી બે ટર્મથી ખંભાળિયાના ધારાસભ્ય તરીકે ચુંટાતા કોંગ્રેસના વિક્રમભાઈ માડમએ 44715 મત મેળવ્યા હતા. આમ, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા વિજેતા બન્યા હતા. જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી જ્યારે ત્રીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. આ મતગણતરીમાં ખંભાળિયામાં 2569 મત નોટામાં પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમ 79779 મત મેળવી 11086ની સરસાઇથી ભાજપના ઉમેદવાર કાળુભાઈ ચાવડા સામે વિજેતા બન્યા હતા. જો કે આ વખતે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મતદાન પૂર્ણ થાય તે પહેલા તેમણે પરિસ્થિતિ પારખીને મતદાન મથકેથી વિદાય લઈ લીધી હતી.
આ સાથે 8-દ્વારકા બેઠક પર ભાજપ દ્વારા સતત આઠમી વખત પબુભા માણેકને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જેમણે તેમના નજીકના હરીફ ઉમેદવાર કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયા કરતા 5327 મત વધુ મેળવી અને વિજય મેળવ્યો હતો. દ્વારકા બેઠકમાં પબુભા માણેકે 74018 જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાએ 68691 મત મેળવ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના લખમણભાઈ નકુમને 28381 મત મળ્યા હતા. દ્વારકા બેઠકની ચૂંટણીમાં નોટાને 2897 મત મળ્યા હતા. દ્વારકાના ઉમેદવાર પબુભા માણેકે ગત વખતે કોંગ્રેસના ઉમેદવાર કરતા 5739 મત જ્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર કરતા 5327 મતની પાતળી સરસાઈ મેળવી હતી.
મહત્વની બાબત તો એ છે કે આ વખતે ત્રીજી અને મજબૂત એવી આમ આદમી પાર્ટી મેદાનમાં હોવા છતાં પણ પબુભા માણેકે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં 700 જેટલા મત વધુ મેળવ્યા હતા. ભાજપના ઉમેદવાર પબુભા માણેકે સતત આઠમી વખત ધારાસભ્ય તરીકે વિજય મેળવી અને સમગ્ર ગુજરાતમાં વધુ વખત વિજેતા બનેલા ઉમેદવારમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લાની ખંભાળિયા બેઠક પર ગત વખતે નોટામાં 962 મત પળ્યા હતા. જ્યારે આ વખતે નોટા મતનો નોંધપાત્ર વધારો થયો હતો અને 2569 મત પડ્યા હતા. દ્વારકામાં ગત વખતે 3213 મત જ્યારે આ વખતે 2897 મત નોટામાં ગયા હતા.
ખંભાળિયા બેઠકમાં આ વખતે અતી રોચક, ચર્ચાસ્પદ અને ઉત્તેજનાસભર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના વાવાઝોડા સામે પણ ભાજપે ઝીંક ઝીલી, નોંધપાત્ર મતથી વિજય મેળવ્યો હતો. ખંભાળિયાના ઉમેદવાર મુળુભાઈ બેરા અગાઉ પણ ચાર વખત ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. આ વખતે વધુ એક વખત ચૂંટાઈ આવતા ધારાસભ્યની તેમની પાંચમી ટર્મ થશે. અનેક પ્રકારના ચિંતાજનક પડકારો વચ્ચે ભાજપના ઉમેદવારે વિજય હાંસલ કરતાં જિલ્લાના બંને ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું અને ફટાકડાની રમઝટ સાથે અબીલ ગુલાલની છોળો ઉડાડીને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ખંભાળિયાના ત્રિપાંખિયા ચુંટણી જંગમાં આજે જાહેર થયેલા પરિણામો ધારણા બહારના બની રહ્યા હતા.
અન્ય ઉમેદવારોને નોટા કરતા ઓછા મત
ખંભાળિયામાં કુલ 11 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જે પૈકી બહુજન સમાજ પાર્ટીના ગોવિંદ સોલંકીએ 1000 મત જ્યારે મંજુબેન કારાભાઈએ 1250 મત મેળવ્યા હતા. અન્ય છ ઉમેદવારો ચાર આંકડાના મત સુધી પહોંચ્યા ન હતા. ખંભાળિયામાં મુખ્ય ત્રણ હરીફ ઉમેદવારોએ નોટા કરતા ઓછા મત મેળવ્યા હતા. આ જ રીતે દ્વારકામાં કુલ 13 ઉમેદવારો પૈકી ગરવી ગુજરાત પાર્ટીના પરમાણી કિશનકુમારે 1391 મત અને ભગવાનજીભાઈ થોભાણીએ 1151 મત મેળવ્યા હતા. અન્ય આઠ ઉમેદવારોના મત ત્રણ આંકડામાં રહ્યા હતા.