ભારતની સૌથી મોટી સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના હેડ કવાર્ટરને બોમ્બથી ઉડાવી દેવા અને ચેરમેનનું અપહરણ કરીને હત્યા કરવાની ધમકી અપાતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસ એલર્ટ બની છે અને નનામો ફોન કરનારની શોધખોળ હાથ ધરી છે.
મુંબઈ પોલીસના સૂત્રોએ કહ્યું કે, બેંકના ચેરમેન દિનેશકુમારનું અપહરણ કરીને હત્યા કરવાની ધમકી આપતો નનામો ફોન બેંક પર જ આવ્યો હતો. બેંકના વડામથકને બોંબથી ઉડાવી દેવાની ધમકીના મામલે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફોન પર ધમકી આપનાર શખ્સે પાકિસ્તાનથી વાત કરતો હોવાનો અને લોન આપવાની માંગ કરી હતી.
લોન મંજુર ન થાય તો ચેરમેનનું અપહરણ કરીને હત્યા કરવા તથા બેંકની હેડ ઓફીસને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફોન ક્યાંથી આવ્યો હતો તેની ચકાસણી શરૂ કરાઈ છે. સ્ટેટ બેંકના ચેરમેનપદે દિનેશકુમાર ખારાની ગત 6 ઓક્ટોબરે જ નિયુક્તિ થઇ હોવાનું ઉલ્લેખનિય છે.