Monday, February 9, 2026
Homeરાજ્યજામનગરલગ્ન પ્રસંગે જતાં દંપતિના એક્ટિવાને ઠોકરે ચઢાવતી બોલેરો

લગ્ન પ્રસંગે જતાં દંપતિના એક્ટિવાને ઠોકરે ચઢાવતી બોલેરો

સાઢુભાઇને ત્યાં લગ્ન પ્રસંગે જતું દંપતિ ખંડિત : પત્નીને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ : પોલીસ દ્વારા બોલેરોચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ ગામ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર લગ્ન પ્રસંગે જતાં દંપતિને પૂરપાટ આવતી બોલેરોએ ઠોકરે ચઢાવતાં પતિનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે પાછળ બેસેલા પત્નીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડિકેટ સોસાયટીની શેરી નંબર ત્રણમાં રહેતાં દયાળજીભાઇ મકનભાઇ ચૌહાણ નામના વૃદ્ધ અને તેમના પત્ની ભગવતીબેન રવિવારે વહેલીસવારના સાડા છ વાગ્યાના અરસામાં તેના જીજે10 સીઆર 0964 નંબરના એક્ટિવા ઉપર તેમના સાઢુભાઇને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતાં હતા. તે દરમિયાન ધ્રોલ નજીક આવેલી અની હોટલ પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે37 ટી 9294 નંબરના બોલેરો પીકઅપ વાહને વૃદ્ધના એક્ટિવાને પાછળથી જોરદાર ઠોકર મારતાં વૃદ્ધ દંપતિ એક્ટિવા પરથી રોડ પર પટકાયું હતું. જેમાં વૃદ્ધ દયાળજીભાઇનો પગ કપાઇ જવાથી ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

એક્ટિવામાં પાછળ બેસેલા તેમના પત્ની ભગવતીબેનને પણ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધાને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અકસ્માતના બનાવની જાણ થતાં હે.કો. આર. કે. કુબાવત તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પુત્ર કેતનભાઇના નિવેદનના આધારે કારચાલક વિરૂઘ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular