જામનગરના સાગર કિનારા વિસ્તારમાં હાથ ધરાયેલ સાગર સુરક્ષા કવચની કવાયત દરમિયાન પાંચ આતંકીઓ સાથેની બોટ ઝડપાઇ હતી. જેમાંથી આરડીએકસ પણ ઝડપાયો હતો. આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરાઇ હતી.
સમગ્ર ગુજરાત રાજ્યના સાગર કિનારાઓ ઉપર દેશ વિરોધી તેમજ આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તેમજ ગુજરાતની તમામ અલગ અલગ સૂરક્ષા એજન્સીઓને સતર્કતા ચકાસવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બે દિવસ માટેની સાગર સુરક્ષા અંગેની કવાયત શરૂ કરવામાં આવી હતી, દરમિયાન બેડી નજીકના દરિયામાંથી પાંચ આતંકવાદીઓ સાથે અને આરડીએક્સ નો જથ્થો લઈને આવેલી એક બોટને ઝડપી લેવામાં આવી હતી, અને મોકડ્રિલ સફળ સાબિત થતાં તમામને મુક્ત કરી દેવાયા હતા. હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં તા 6થી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ ના અભિયાન નો પ્રારંભ થયો હતો.
જામનગરની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસ ઓ જી શાખા, મરીન પોલીસ સ્ટેશનની ટીમ, કોસ્ટકાર્ડ સહિતની અન્ય તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના તમામ સાગર કિનારાઓ વિસ્તારમાં બે દિવસ માટેની કવાયત શરૂ કરી દઈ સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન બેડી નજીકના દરિયામાં એક બોટ શંકાસ્પદ હાલમાં જણાઈ હતી, અને તમામ એજન્સીઓને જાણકારી મળી હતી, કે કેટલાક આતંકવાદીઓ સાથેની બોટ આવી રહી છે, જેના આધારે પેટ્રોલિંગ હાથ ધરી બેડી નજીકના દરિયામાંથી બોટને ઝડપી લીધી હતી.
જેમાં પાંચ વ્યક્તિઓ હતા અને તે લોકો પાસે આરડીએક્સ નો જથ્થો સંતાડ્યો હોય તેવા બોક્સ વગેરે મળી આવ્યા હતા. તમામ સુરક્ષા એજન્સીઓએ બોટને કબજે કરી લઈ તેમાં હાજર રહેલા પાંચ વ્યક્તિઓને રોકી લીધા હતા, અને તેઓ પાસે રહેલા બોક્ષ વગેરે ચકાસ્યા હતા. દરમિયાન આ મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું, અને ગઈકાલે સાંજે સમગ્ર કવાયત ને પૂર્ણ કરી લેવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે સમગ્ર કવાયત કરવામાં આવી હતી, જેમાં મોકડ્રિલ સફળ રહી હતી.


