ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે ગુરુવારે યાત્રાધામ દ્વારકામાં આવનાર છે. ત્યારે ગુરુવાર તથા શુક્રવારે બે દિવસ દ્વારકા તથા ખંભાળિયામાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી થોડા સમય પૂર્વે સંભાળનારા પાર્ટીના પાયાના આગેવાન અને પીઢ નેતા જગદીશભાઈ વિશ્વકર્મા તેમના આ નવા હોદ્દા સાથે પ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવનાર છે. ગુરુવાર તા. 26 ના રોજ રાત્રે વંદે ભારત ટ્રેન મારફતે તેઓ દ્વારકાના રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચશે. જ્યાં જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આ સમયે યુવાનો, કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે તેમનું સ્વાગત કરાશે.
દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે તેમના રાત્રી રોકાણ બાદ સવારે 8 વાગ્યે દ્વારકામાં ભાજપના આગેવાનો-કાર્યકરો સાથે નાસ્તા બેઠક યોજવામાં આવશે. સવારે 9 વાગ્યે તેઓ દ્વારકાના જગત મંદિર ખાતે દર્શન અને પૂજન કરશે. અહીં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી જગદીશભાઈનું સ્વાગત કરવામાં આવશે.
આ પછી શુક્રવારે સવારે 9:15 વાગ્યે તેઓ દ્વારકાથી ખંભાળિયા માટે રવાના થશે. ખંભાળિયામાં આઈટીઆઈ પાસે આવેલી મહારાણા પ્રતાપજીની પ્રતિમા ખાતે સવારે 10:15 વાગ્યે તેમનું સ્વાગત સન્માન કરવામાં આવશે. ત્યાર બાદ જિલ્લા યુવા ભાજપના કાર્યકરો દ્વારા અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે આગમન કરાવવામાં આવશે. ખંભાળિયાના ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે 12 જ્ઞાતિના પ્રતિનિધિઓ દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત તેમજ મહિલા મોરચાના બહેનો દ્વારા તેમને આવકારવામાં આવશે.
આ સાથે અહીં કાર્યકર્તા સંમેલન તેમજ બૌદ્ધિક નાગરિકો સાથેની બેઠક બાદ બપોરે 1 વાગ્યે જિલ્લાની મુખ્ય ટીમ અને હોદ્દેદારો સાથે ખાનગી બેઠક બાદ ભોજન અંતે બપોરે જગદીશ વિશ્વકર્માને વિદાય આપવામાં આવશે.
આ સમગ્ર આયોજન માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વળપણ હેઠળ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રાજુભાઈ ભરવાડ, પરબતભાઈ ભાદરકા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


