જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપા દ્વારા ગઇકાલે ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક જ દિવસમાં 1575 ફોર્મ ઉપડયા હતાં. આજે સવારથી નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. નિરીક્ષકોએ ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળ્યા હતાં.
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ચૂકયો છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ વિતરણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગઇકાલે જામનગરના 1 થી 16 વોર્ડ માટે ફોર્મ વિતરણ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું. ભાજપા દ્વારા ફોર્મ વિતરણની જાહેરાત કરી ફોર્મ વિતરણ શરૂ કરાતા ગઇકાલે સવારથી શહેર ભાજપ કાર્યાલયે દાવેદારો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. ગઇકાલે સાંજ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દિવસ દરમિયાન જામનગર મહાનગર પાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે 1575 ફોર્મ ઉપડયા હતાં. ગઇકાલે ફોર્મ વિતરણ કરાયા બાદ આજે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી.
View this post on Instagram
શહેર ભાજપા દ્વારા ગઇકાલે ફોર્મ વિતરણ કરાયા બાદ આજે પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો જામનગર આવી પહોંચ્યા હતાં અને ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળ્યા હતાં. વોર્ડ નં.1 થી 8 માટે ફ્રેન્સ હોલ ખાતે તથા વોર્ડ નં.9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. આ સેન્સ પ્રક્રિયા જામનગર શહેર ભાજપા અઘ્યક્ષ બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં યોજાશે. વોર્ડ નં.1થી 8 માટેની સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે ધારાસભ્ય કેશવભાઇ પટેલ (કેશુભાઇ), પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેર મહામંત્રી કર્ણાવતી ભૂષણભાઇ ભટ્ટ તથા પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ દંડક ગાંધીનગર તેજલબેન નાયી ઉપસ્થિત રહ્યા હતાં. વોર્ડ નં.9 થી 16માં શહેર ભાજપ કાર્યાલય ખાતેની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય પૂર્વ પ્રદેશ મંત્રી અમીતભાઇ ઠાકર, પૂર્વ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ તથા પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ મેયર ગૌતમભાઇ શાહ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળ્યા હતાં. જેમાં ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો મોટી સંખ્યામાં ઉમટયા હતાં.


