ભારતના ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યો ઉંત્તરપ્રદેશ, ઉંત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી તબક્કાવાર મતદાન છે.
10 માર્ચે પાંચેય રાજ્યોની મત ગણતરી છે. હાલ પંજાબમાં કોંગ્રેસની અને બાકીના ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ ચૂંટણીના પરિણામોની દેશના રાજકારણ પર અસર પડશે. હાલ દેશની રાજનીતિમાં ગુજરાત મહત્વના સ્થાને હોવાથી ગુજરાત પર પરિણામની વિશેષ અસર રહેશે. પાંચેય રાજ્યોમાં ખાસ કરીને યુપીમાં ભાજપ માટે સારૂં પરિણામ આવે તો ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી વહેલી આવે તે સંભવ છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં નિર્ધારિત સમય મુજબ 2022ના વર્ષના નવેમ્બર-ડીસેમ્બરમાં ધારાસભાની ચૂંટણી આવવા પાત્ર છે. જો યુપી જેવા મોટા રાજ્યમાં ભાજપ ફરી જીતનો સપાટો બોલાવી દયે તો ગુજરાતમાં તે માહોલનો લાભ લેવા વિધાનસભા વિસર્જન કરાવે તે અશક્ય નથી. ભાજપના સત્તાવાર વર્તુળો ગુજરાતમાં ચૂંટણી સમયસર જ આવવાના દાવા કરે છે પણ રાજકારણમાં સમય સંજોગો મુજબ દાવા સાચા કે ખોટા પડતા હોય છે. ભાજપ માટે સાનુકૂળ સંજોગો સર્જાય તો ગુજરાતમાં મે – જૂનમાં ચૂંટણીની શક્યતા સમીક્ષકો નકારતા નથી.
ગુજરાત અને ઉંત્તરપ્રદેશમાં લોકલાગણીનો જુવાળ સર્જી શકે તેવા અમૂક મુદ્દા સમાન છે. 2017ના વર્ષમાં ભાજપને ગુજરાતમાં 99 બેઠકો મળતા માત્ર 7 બેઠકોની બહુમતી થયેલ. ત્યારપછી તોડફોડ કરીને સંખ્યાબળ વધાર્યુ હતું. હાલનું શાસન અને સંગઠન ડીસેમ્બર 2022માં શું પરિણામ લાવી શકે ? તે બાબતનો કેન્દ્રીય નેતાગીરીને અંદાજ છે. જો આમઆદમી પાર્ટી પંજાબમાં સત્તામાં કે સત્તાની નજીક પહોંચી શકે તો ગુજરાતમાં તેનો પ્રભાવ વધી શકે છે.
રાજ્યમાં કોંગ્રેસે નેતૃત્વ પરિવર્તન પછી ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. આમ એકથી વધુ કારણો અને સંભવિત સમીકરણો ગુજરાતમાં આવતા શિયાળાના બદલે તે પહેલા આવતા ઉંનાળામાં ચૂંટણીનો ઢોલ વગાડે તેવું વિચારવા પ્રેરે છે. આવતું ચોમાસુ કેવું જશે તે નક્કી નથી. ગુજરાતમાં ચૂંટણી ચાર – છ માસ વહેલી લાવવામાં માર્ચ માસ આસપાસનો રાજકીય માહોલ નિર્ણાયક બની શકે છે. રાજ્યમાં વહેલી ચૂંટણીની બાબતને ભાજપના સત્તાવાર વર્તુળો સ્વીકારતા નથી અને આધારભૂત વર્તુળો નકારતા નથી.