કાલાવડ-મછલીવાડ માર્ગ પર આવેલા સનાળા ગામ જવાના જૂના રસ્તા પરથી પસાર થતા રાજકોટના બાઈકચાલકે બેફીકરાઈથી બાઈક ચલાવી બાઈક પરનો કાબુ ગુમાવી દેતા આગળ જતા બાઈક સાથે અથડાતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં રહેતો રાજેશભાઈ ઉકાભાઈ સોલંકી (ઉ.વ.42) નામનો યુવાન ગત તા.17 ઓકટોબરના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં તેના જીજે-10-ઈએ-7311 નંબરના બાઈક પર કાલાવડ -મછલીવાડ માર્ગ પરથી પસાર થતો હતો તે દરમિયાન સનાળા ગામ તરફ જવાના જૂના રસ્તા પર પહોંચ્યો ત્યારે પૂરઝડપે જઈ રહેલી બાઈક પરનો કાબુ ગુમાવી દેતા આગળ જતા બાઈક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં જમીન પર પટકાયો હતો. જેમાં શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાજેશ સોલંકી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની ફોગાભાઈ પાથર નામના વૃદ્ધ દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.