જામનગર તાલુકાના દડિયા ગામમાં ગૌશાળા રોડ ઉપરથી પસાર થતાં બાઇકને પૂરપાટ બેફિકરાઇથી આવી રહેલી કારએ ઠોકર મારી હડફેટ લેતાં તરૂણનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે અન્ય તરૂણને ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દડિયા ગામમાં ગૌશાળા સામેના રોડ પરથી શનિવારે બપોરના સમયે રણજીત (ઉ.વ.17) નામનો તરૂણ તેના એક્સેસ નંબર જીજે10 સીકે 1240 બાઇક પર જયદીપ પાધરેસાને પાછળ બેસાડી જતો હતો. તે દરમ્યાન સામેથી પૂરપાટ બેફિકરાઇથી આવી રહેલી જીજે37 ટી 6465 નંબરની બોલેરો કારના ચાલકે એક્સેસને ઠોકરે ચઢાવી હડફેટ લેતા આ અકસ્માતમાં બન્ને તરૂણો રોડ પર પટકાયા હતાં. જેમાં રણજીતને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પાછળ બેસેલા જયદીપને પણ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ બન્ને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે રણજીતનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની વાસુદેવભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂઘ્ધ અકસ્માતનો ગુનો નોંધી ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


