જામનગર જિલ્લાના સીક્કા પાટીયા અને મોટી ખાવડી વચ્ચેના રોડ પર બાઈકસવાર યુવાનને અજાણ્યા વાહને ઠોકર મારી હડફેટે લેતા બાઈક પરથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાવરીદડ ગામમાં રહેતા મૂળ રાજકોટના વતની સાગરભાઈ ભીમજીભાઈ બેરા નામના યુવાનનો ભાઈ કૌશલ બે દિવસ પૂર્વે રાત્રિના સમયે તેના જીજે-10-સીકયુ-9887 નંબરના બાઈકમાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સીક્કા પાટીયાથી મોટી ખાવડી વચ્ચેથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા અજાણ્યા વાહને યુવાનના બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા પછાડી દીધો હતો. બાઈક પરથી પડી જતાં કૌશલભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના ભાઈ સાગર દ્વારા કરાતા પીએસઆઈ બી બી કોડીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા વાહનચાલકની શોધખોળ આરંભી હતી.