જામનગર જિલ્લાના સેતાલુસ ગામમાં આવેલી પોલીસ ચોકીની સામેથી પસાર થતા બાઈકસવારે કાબુ ગુમાવતા નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં કૃષ્ણ કોલોનીમાં રહેતાં વસંતભાઈ ધરમશીભાઈ કણજારીયા (ઉ.વ.51) નામના પ્રૌઢ ગત તા.18 ના સવારના સમયે તેના બાઈક પર જામનગર જિલ્લાના સેતાલુસ ગામમાં આવેલી પોલીસ ચોકીની સામેના કાનાલુસ માર્ગ પરથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે બાઈક ચલાવતા કાબુ ગુમાવી દેતા બાઈક પરથી નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા વસંતભાઈ પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન બુધવારે સવારે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ બેચરભાઈ દ્વારા જાણ કરાતા હેકો આઈ ડી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.