ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે આવી રહેલી ઈનોવા કારે બાઈકસવારને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહેતાં અને ખેતી કરતા આણંદભાઈ ભાલોડિયા નામના પ્રૌઢ ગત તા. 10 ના રોજ રાત્રિના સમયે ખેતરેથી તેના ઘર તરફ જીજે-10-બીઇ-8081 નંબરના બાઈક પર જતાં હતાં ત્યારે વાંકીયા નજીક આવેલા પેટ્રોલપંપ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-10-ટીવી-8160 નંબરની ઈનોવા કારના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા આણંદભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર ભગવાનજીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.