ખંભાળિયા દ્વારકા હાઈવે પર મંગળવારે રાત્રે એક મોટરકારના બાઈક સાથે થયેલા અકસ્માતમાં વડત્રાના યુવાનનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 16 વર્ષીય ભત્રીજાને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દિનેશભાઈ રામશીભાઈ ચાવડા નામના 33 વર્ષના યુવાન મંગળવાર તા. 21 મી ના રોજ તેમના 16 વર્ષીય ભત્રીજાને સાથે લઈને એક પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ બન્ને કાકા-ભત્રીજા મંગળવારે રાત્રિના સમયે જમીને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે આશરે નવેક વાગ્યાના સમયે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જીજે-37-જે-6087 નંબરની એક અર્ટિકા મોટરકારના ચાલકે દિનેશભાઈના જીજે-37-એ-7466 નંબરના હોન્ડા મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ સાથે દિનેશભાઈ અને વિશાલ ફંગોળાઈ ગયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં દિનેશભાઈને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે વિશાલને પ્રાથમિક સારવાર બાદ અહીંથી વધુ સારવાર અર્થે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર બનાવવા અંગે મૃતકના મોટાભાઈ આલાભાઈ રામસીભાઈ ચાવડા (ઉ.વ. 37, રહે. વડત્રા)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અર્ટિકા કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279, 337, 338 તથા એમપી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.