ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ઇકો કાર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતાં પ્રૌઢને માથાના સહિત શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા ઇકો કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મોરારસાહેબના ખંભાળિયા ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા બાબુભા જાડેજા (ઉ.વ.48) નામના પ્રૌઢ તા. 10ના રોજ પોતાનું સ્પલેન્ડર મોટરસાયકલ લઇ સોયલ ગામની સીમના કાચા રસ્તેથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે રાજકોટ-જામનગર હાઇવે રોડ ઉપર સોયલ ગામ પાસે આવેલ પુલ પાસે ધ્રોલ તરફથી આવતાં જીજે-10 ડીએ-6227 નંબરની ઇકો મોટરકારના ચાલકે બેફિકરાઇપૂર્વક ગાડી ચલાવી પૃથ્વીરાજસિંહને હડફેટે લેતાં તેમને માથના તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા. 12ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે મયૂરસિંહ હાલુભા જાડેજા દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી ઇકો કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.