રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં વાહનચાલકો પરેશાન છે. ત્યારે આજે રોજ વાહનચાલકોને વધુ એક ઝટકો લાગ્યો છે. CNGના ભાવમાં પ્રતિકિલો રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યના 7લાખ જેટલા વાહનચાલકોને મોટી અસર થશે.
ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિકિલોએ રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. જે ભાવ આજથી જ લાગુ થશે. પરિણામે CNG સંચાલિત વાહનચાલકો પર વધારાનો બોજ આવશે. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ પીએનજીના (PNG) ભાવમાં કોઈ વધારો કર્યો નથી. હાલમાં અદાણીના CNGના ભાવ 55.30 રૂપિયા છે. છેલ્લાં દોઢેક વર્ષથી CNG નાં ભાવમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. આ દરમ્યાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી આ ભાવવધારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા તેના લીટર દીઠ ભાવ રુપિયા 100ની નજીક પહોંચી ગયા છે. તો એક તરફ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોના વેપાર ધંધા પડી ભાંગ્યા છે. અને બીજી તરફ ભાવવધારો થતાં લોકોએ મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે.