ગુજરાત સરકારનો 10 વર્ષના સમયગાળાનો પ્રોજેકટ લાયન રિપોર્ટ નામંજુર કરી 2047 સુધીના રપ વર્ષના અમૃતકાળને આવરી લેતું લાંબાગાળાનું વિઝન તૈયાર કરવા કેન્દ્રિય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપેલી સૂચનાને પગલે વનવિભાગે અહેવાલ ઘડી કાઢયો છે. જેને કેન્દ્ર સરકારને મંજૂરી પણ આપી દીધી છે. આ વર્ષીય વિઝન અંતર્ગત 10 વર્ષ માટે બજેટ એસ્ટિમેટસને આકાર અપાયો છે. જેમાં વર્ષ 2022-23 થી 2031-3ર સુધી રૂા. 428.33 કરોડ ખર્ચાશે. આ ખર્ચની હિસ્સેદારીમાં રાજય 60 ટકા અને કેન્દ્ર 40 ટકા રકમ કાઢશે. સૌથી રસપ્રદ બાબત એ છે કે, અગાઉ ગત વર્ષે રાજય સરકારે રાજયની અસ્મિતાસમા એશિયાઇ સિંહોના સંવર્ધન માટે કુલ 2000 કરોડનો 10 વર્ષનો રિપોર્ટ કેન્દ્રને પાઠવી રૂા. 1060 કરોડની ગ્રાન્ટ માંગી હતી. હવે પોજેકટ લાયનનું નાણાંકિય કદ અગાઉની ગણતરીની સરખામણીએ કોણ જાણે કેમ 80 ટકા જેટલું જબરજસ્ત ઘટી ગયું છે.
નવા રિપોર્ટ મુજબ 2022-23માં રૂા. 39.16 કરોડ 2023-24માં રૂા. 42.50 કરોડ, 2024-25માં રૂા. 31.81 કરોડ, 2025-26માં 34.42 કરોડ, 2026-27માં રૂા. 41.79 કરોડ, 2027-28માં રૂા. 44.10 કરોડ, 2028-29માં રૂા. 42.75 કરોડ, 2029-30માં રૂા. 45.40 કરોડ, 2030-31માં રૂા. 49.71 કરોડ અને 2031-32માં રૂા. 56.69 કરોડ ખર્ચાશે. રાજય સરકાર તેના ભાગનો ખર્ચ બજેટ ફાળવણી, કેમ્પા ફંડ, સામાજિક વનીકરણ ફંડ વગેરેમાંથી કાઢશે. જયારે મેચિંગ ગ્રાન્ટ કેન્દ્ર સરકાર પૂરી પાડશે. કેન્દ્ર સરકાર દર વર્ષે કેટલી રકમ આ પ્રોજેકટ હેઠળ આપશે તેવું કોઇ કમિટમેન્ટ રાજયને મળ્યું ના હોવાનું જણાવાઇ રહ્યું છે.
રાજયમાં સિંહોની વસતિ 1990માં 284 હતી તે, 2020ની ગણતરીએ 674 ઉપર પહોંચી છે. આશરે 30 હજાર ચોરસ કિલોમીટર ધરાવતા સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં સિંહોનો વસવાટ છે. જે પૈકી 16 હજાર ચોરસ કિલોમીટ રેન્જમાં સિંહોનો કાયમી વસવાટ છે.