ભારતીય આર્ટિલરી રેજિમેન્ટની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે, દેશભરના બહાદુર તોપચીઓના શૌર્ય અને બલિદાનને સમર્પિત ‘ભારત રણભૂમિ દર્શન’ કાર રેલીનો ભવ્ય આરંભ પશ્ચિમ સરહદ પરથી કરવામાં આવ્યો છે. કુલ 3,400 કિલોમીટર લાંબી આ બહાદુરીની યાત્રાને તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા દ્વારા દ્વારકાના પવિત્ર યાત્રાધામથી લીલી ઝંડી આપવામાં આવી હતી.
ભારતીય નૌકાદળ અને સરહદ સુરક્ષા દળ (BSF)ના સંયુક્ત સહયોગથી આયોજિત આ અભિયાન, ભારતીય આર્ટિલરી રેજિમેન્ટની 200મી વર્ષગાંઠની ઉજવણીનું પ્રતિક બની રહ્યું છે. રેલી આગામી દિવસોમાં ગુજરાત અને રાજસ્થાનની પશ્ચિમ સરહદો પર 3,400 કિલોમીટરથી વધુ વિસ્તાર આવરી લેશે.
આ કાર રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ઐતિહાસિક યુદ્ધક્ષેત્રોની મુલાકાત લેવાનો અને યુદ્ધ સ્મારકો પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે. માર્ગમાં ટુકડી સરહદી ગામોના લોકો, બહાદુર મહિલાઓ અને નિવૃત્ત સૈનિકો સાથે સંવાદ કરીને રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે. આ અભિયાનનો સમાપન નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે કરવામાં આવશે.
View this post on Instagram
આધ્યાત્મિક નગરી દ્વારકાથી યાત્રાની શરૂઆત કરવાનું વિશેષ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, જે ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષામાં નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે. પ્રસ્થાન સમારોહ દરમિયાન વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ, નાગરિક વહીવટના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં NCC કેડેટ્સની ઉપસ્થિતિ રહી હતી, જે કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવતી હતી.


