માં ભોમની રક્ષા કરી, આર્મી જવાન તરીકે દેશની સરહદોની રક્ષા કરવા 18 વર્ષની યશસ્વી સેવા આપીને નિવૃત્ત થયા બાદ ઘરે પરત ફરતા ભાણવડના કુલદીપભાઈ કલોલાનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓની દેશ સેવાને મંત્રી મુળુભાઈ બેરા સહિતના ગ્રામજનો અને અગ્રણીઓએ બિરદાવી હતી.
આર્મી મેન તરીકેની સેવા આપી નિવૃત્ત થઈને વતન પરત ફરેલા કુલદીપભાઈને શુભેચ્છાઓ પાઠવતા કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા ઉદ્દેશ્યથી બોર્ડર ટુરીઝમના નવતર અભિગમને સાર્થક કર્યું છે. વડાપ્રધાનના પ્રયાસો કારણે આજે દેશની સૈન્ય શક્તિ સશક્ત બની છે, જેનું આપણે સૌને ગૌરવ છે. કુલદિપભાઈ યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.
આ કાર્યક્રમમાં સેવા નિવૃત્ત થઈ વતન પરત આવેલા કુલદિપભાઈ કલોલાએ જણાવ્યું હતું કે, “ભારતીય સેનાએ સાહસ, પરાક્રમનો પ્રેરણાસ્ત્રોત છે. વર્ષ 2006માં હું ભારતીય સેનામાં જોડાયો હતો. ત્યાર બાદ મેં દેશના વિવિધ સ્થળે ફરજ બજાવી છે. આજરોજ હું સેવા નિવૃત્ત થઈ પરત ફર્યો છું. પરંતુ હું રાષ્ટ્રની સેવા માટે હંમેશા માટે તત્પર રહીશ.
તેઓએ સ્વાગત-સન્માન બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું જરૂરી માર્ગદર્શન આપીશ. આ પ્રસંગે અગ્રણીઓ સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.