ભાણવડ તાલુકાના રાણપર ગામમાં રહેતા મુસ્લિમ મહિલાએ રૂા. સાત લાખની રકમ કટકે કટકે 10 થી 30%ના ઉંચા વ્યાજે લીધી હતી. જેના બદલામાં 6 વ્યાજખોરોએ રૂા. 17 લાખ જેટલા વ્યાજની રકમ માંગણી કરી હતી. આશરે રૂા. 6 લાખની રકમ બેન્ક ખાતામાં ઓનલાઇન ટ્રાંજેકશનથી મેળવી લીધી હતી.
આ અંગેની વિગત મુજબ ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા નજમાબેન જુમાભાઈ હિંગોરા (ઉ.વ.40) નામના મુસ્લિમ મહિલાએ વર્ષ 2023 ના સમયગાળામાં આરોપી વેજા દેવાભાઈ કારાવદરા પાસેથી કટકે કટકે રૂપિયા 7,00,000ની રકમ વ્યાજે લીધી હતી. 10 થી 30 ટકા સુધીના ઊંચા વ્યાજદરથી લીધેલી આ રકમના બદલામાં આરોપીએ ફરિયાદી પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી.
આ પ્રકરણમાં આરોપી વેજા દેવાભાઈ સાથે તેમના પત્ની પુરીબેન તથા જયાબેન ઉર્ફે જાનવીબેન, કાજલબેન, કાજલબેનના પતિ પ્રતાપભાઈ ખીસ્તરીયા અને જયાબેનના પતિ સાગર ગરેજાએ ફરિયાદી પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, આશરે રૂપિયા 17 લાખ જેટલા વ્યાજની ઉઘરાણી કરી હતી. જેમાં આશરે રૂ. 6,00,000ની રકમ બેંકના ખાતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શનથી મેળવી લીધી હતી.
એટલું જ નહીં, વધુ વ્યાજની રકમની ઉઘરાણી કરી આરોપીઓએ તેણીને ધમકીઓ પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં ભાણવડ પોલીસે બી.એન.એસ. તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. બી.કે. કડછા દ્વારા હાથ ધરવામાં આવી છે.


