જામનગરમાં રહેતા અને કોલસાનો વ્યવસાય કરતા વૃદ્ધ વેપારી સાથે 3 શખ્સોએ બોગસ પેઢી ઉભી કરી વૃદ્ધને વિશ્વાસમાં લઇ એક માસ દરમિયાન 27.75 લાખના કોલસાની ખરીદી કરી છેતરપીંડી આચરી હતી. આ ત્રણેય શખ્સોની પેઢીના ચેક રીટર્ન થતાં વૃદ્ધ વેપારીની ફરિયાદના આધારે પોલીસે પૂર્વ આયોજીત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા અને ગુજરાત ઇન્ડ. કોલ એન્ડ કોક ટ્રેડર્સના નામે કોલસાનો વ્યવસાય કરતા ત્રિભોવનભાઇ દામજીભાઇ નડિયાપરા નામના વૃદ્ધ પાસે હર્ષિલ દોઢીયાએ પૂર્વ આયોજીત કાવતરું રચી સંદિપ ગજ્જરના નામથી આર.કે. એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી બેન્કમાં ચાલુ ખાતુ ખોલી જીએસટી નંબર અને સીમકાર્ડ મેળવી નલિન ચૌહાણ સાથે જૂન-2020 થી વૃદ્ધ વેપારી પાસે કોલસાની ખરીદી શરૂ કરી હતી. અને શરૂઆતમાં નાણાનો વ્યવહાર ચોખો રાખી વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. અને ત્યારબાદ 23 જુલાઇ 2020થી 21 ઓગસ્ટ 2020 સુધીના દિવસ દરમિયાન ત્રણેય શખ્સોએ વૃદ્ધ વેપારી પાસેથી 15 ચેક આપી કુલ રૂપિયા 27,75,655ની રકમની કોલસાની ખરીદી કરી હતી. ત્યારબાદ વેપારી દ્વારા આ નાણાંની ઉઘરાણી કરાતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી આખરે વેપારીએ આર.કે.એન્ટરપ્રાઈઝના ચેકો બેન્ક ખાતામાં કિલયરીંગ માટે નાખ્યા હતા. પરંતુ આ તમામ ચેકો નાણાના અભાવે રીટર્ન થયા હતા.
વૃદ્ધ વેપારીએ રૂપિયા 27 લાખના ચેકો રીટર્ન થતાં તેની સાથે છેતરપીંડી થયાનું જણાતા સંદિપ ગજ્જર,હર્ષિલ ડોડિયા, નલિન ચૌહાણ નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ કે.સી.વાઘેલા તથા સ્ટાફે આ ત્રણેય શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરું રચી છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી ત્રણેય શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.