દ્વારકામાં રહેતા એક યુવાન સાથે રાજકોટની યુવતીએ મૈત્રી કરાર કર્યા બાદ ઝઘડો કરીને જતી રહ્યાની અને જો આ યુવાન મકાન નહીં આપે તો ખોટી ફરિયાદ કરવાની ધમકી આપ્યાની તેમજ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા અને બોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કિરીટભાઈ ભીમજીભાઈ વેગડ નામના 48 વર્ષના પ્રજાપતિ યુવાને થોડા સમય પૂર્વે રાજકોટમાં રહેતી ગીતાબેન નરસપા ઐયર નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ પછી તેઓને ગત તારીખ 26 નવેમ્બરના રોજ ઝઘડો થયો હતો અને ગીતાબેન જતી રહી હતી. ત્યાર બાદ ફરી વખત ગીતાબેન તથા તેની જામનગર રહેતી બહેન તારીખ 30 ડિસેમ્બરના રોજ ફરિયાદી કિરીટભાઈના મોટાભાઈના ઘરે આવી હતી. અહીં બંનેએ ગાળા-ગાળી કરી અને ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ જો કિરીટભાઈ મકાન નહીં આપે તો ખોટી ફરિયાદ કરીને હેરાન પરેશાન કરશે તેવી ધમકી ઉચ્ચારી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે કિરીટભાઈ વેગડની ફરિયાદ પરથી ગીતાબેન તથા તેણીના બહેન સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત કિરીટભાઈ વેગડની અન્ય એક ફરિયાદમાં જણાવાયું છે કે રાજકોટ ખાતે રહેતા દાઉદ સુલતાન મોગલ, જયેશ કારાભાઈ મેવાડા અને ગીતાબેન નરસપા ઐયર દ્વારા એકસંપ કરી, અને પૂર્વયોજિત કાવતરું રચીને ગીતાબેન સાથે કિરીટભાઈના મૈત્રી કરાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં કિરીટભાઈને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી રૂપિયા દોઢ લાખ લઈ જઈ અને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી, તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
આ પ્રકરણમાં પણ પોલીસે ભારતીય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.