પેટ્રોલ-ડીઝલ પછી હવે રાંધણગેસનાં ભાવમાં ભડકો થવાની ભીતિ છે. ત્યારે સરકાર દ્વારા મે 2020માં સમાપ્ત કરવામાં આવેલી એલપીજી સબસિડી પુન: શરૂ કરવાની વિચારણા થઈ રહી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય ગેસ સબસિડી માટે એક સીમા નિર્ધારિત કરવા વિચારે છે. જેનાં માટે એક સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હોવાનું સૂત્રોનાં હવાલેથી જાણવા મળે છે.
એક સુમાહિતગાર અધિકારીનાં જણાવા અનુસાર સબસિડી માટે અનેક પ્રકારનાં વિક્લ્પોનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વિકલ્પ કેવળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને સબસિડી આપવાનો છે. ગેસ સિલિન્ડર મોંઘા થવાનાં કારણે મોટી સંખ્યામાં લોકો તેનું રિફિલિંગ કરાવતા અટકી ગયા છે. જો આગળ જતાં ગેસનાં ભાવમાં વધુ વધારો થાય તો સ્થિતિ વણસી શકે છે. સરકારે મે 2020માં ગેસ સબસિડી બંધ કરી નાખી હતી. એ વખતે દિલ્હીમાં 14.2 ક્લિોનાં બાટલાનો ભાવ 581.50 રૂપિયા હતો. આજે તે ભાવ વધીને 884.50 રૂપિયા છે અને હજી પણ આ ભાવ એક હજારની દઝાડતી સપાટીએ પહોંચે તેવી સંભાવના છે.