છેલ્લાં કેટલાંક દિવસથી ખુબ જ સાંકળી રેંજમાં ટ્રેડ કરતા ભારતીય બજારે નીચેની તરફ રેંજ બ્રેકડાઉન આપ્યું છે. નિફટી 50માં ખુબ જ મહત્વપૂર્ણ એવા 24,900 ના સપોર્ટ સ્તરને નિફટીએ આજે શુક્રવારે તોડયું હતું અને આ સ્તર નીચે જ કલોઝીંગ (24,837) આપતા નિફટી 50માં નીચેના દરવાજા ખુલી ગયા છે. નબળા સેન્ટીમેન્ટ સાથે નજીકના દિવસોમાં નિફટી 50 ઈન્ડેકસ 24,500 નું લેવલ દેખાડી શકે છે તેવું બજાર નિષ્ણાંતો માની રહ્યા છે.
શુક્રવારના ટ્રેડીંગ સેશન દરમિયાન દલાલ સ્ટ્રીટમાં મંદોડિયાઓનું પ્રભુત્વ રહ્યું હતું. બુધવારની તેજી છેતરામણી સાબિત થઈ હતી ત્યારબાદ ગુરૂવાર અને શુક્રવારના બે ટ્રેડીંગ સેશનમાં નિફટીએ 375 થી વધુ પોઇન્ટ ગુમાવી દીધા છે જેને કારણે આગામી સેશનમાં બજારમાં વધુ ઘટાડાની સંભાવનાઓ વધી ગઇ છે. ગિફટ નિફટી પણ શુક્રવારે આ લખાઈ છે ત્યારે 66 પોઇન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે પરિણામે સોમવારે પણ ભારતીય બજારમાં ગેપ ડાઉનની સંભાવનાઓ માર્કેટ તજજ્ઞોએ દર્શાવી છે. આગામી સત્રમાં નિફટી જો 50 દિવસને મુવીંગ એવરેજ નીચે એટલે કે 24,950 નીચે રહે છે તો કરેકશન 24,700 સુધી લંબાઇ શકે છે ત્યારબાદ આ લેવલ 24,473 ના જૂના સપોર્ટ લેવલ સુધી પહોંચી શકે છે. આ લેવલને મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે જોવામાં આવે અહીંથી માર્કેટ રિબાઉન્ડની સંભાવનાઓ પણ તજજ્ઞો જોઇ રહ્યા છે.
લો VIX ખતરાનો સંકેત
ભારતમાં વોલીટીલીટી ઈન્ડેકસ એટલે કે ઈન્ડિયા VIX ઘણાં લાંબા સમયથી તેના સૌથી નીચલા સ્તરે ટે્રડ કરી રહ્યો છે જે બજારમાં આવનારા ખતરાનો સંકેત આપી રહ્યો છે. આ લેવલ પર VIX લાંબો સમય ટકતો નથી. જ્યારે તેમાં ઉછાળો આવે છે ત્યારે બજારમાં મોટા કડાકા નોંધાય છે. લગભગ 10ના લેવલ સુધી પહોંચી ગયેલા ઈન્ડિયા VIX માં આજે શુક્રવારે 5.15 ટકાનો ઉછાળો નોંધાયો હતો. પરિણામ સ્વરૂપ નિફટી-50 ઈન્ડેકસ 225 પોઇન્ટ ગગડી ગયો હતો. VIX જ્યાં સુધી 14-15 ના સ્તર સુધી ન પહોંચે ત્યાં સુધી તેજીના ટે્રડ જોખમી સાબિત થઈ શકે છે તેમ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ટેકનિકલ રિસર્ચ અને ડેરીવેટિવ્ઝના વડા ચંદન ટાપરીયાએ જણાવ્યું છે.
(ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)


