નિફટીએ આ સપ્તાહે સતત છઠ્ઠો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો છે. જે 2020 ના કોવિડના નીચલા સ્તર પછી સૌથી લાંબો ઘટાડો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સતત છ સપ્તાહ સુધી નિફટીમાં ઘટાડો આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે ત્યારે 11 ઓગસ્ટથી શરૂ થતુ સપ્તાહ ભારતીય બજાર માટે ખુબ જ નિર્ણાયક બની રહેશે. મંદીવાળાઓની નજર 24000 થી 23800 ના સ્તર પર છે જ્યારે તેજીવાળાઓ 24750 ના સ્તર પર નજર રાખી રહ્યા છે.
આ સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળ્યા છે. મંદોડિયાઓએ બજાર પર પોતાની પકડ વધુ મજબુત બનાવી હોવાથી નિફટી શુક્રવારે આગલા દિવસની રિકવરીનો ફોલોઅપ આપવામાં નિષ્ફળ રહી હતી. પરિણામે શુક્રવારે નિફટી છેલ્લાં ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે બંધ થયો હતો. જે આગામી દિવસોમાં વધુ નીચે જવાના સંકેતો આપી રહી છે પરંતુ, આ સપ્તાહે આરબીઆઈની બેન્ક પોલીસી તેમજ ટ્રમ્પના ટેરિફની અસર નિફટીએ પચાવી લીધી હોય તેવા સંકેતો પણ બજાર આપી રહ્યું છે. સાથે-સાથે ઘણાં લાંબા સમયથી સતત વેચવાલી કરી રહેલા એફઆઈઆઈની વેચવાલી પર પણ શુક્રવારે બ્રેક જોવા મળ્યો છે. જે સુચવે છે કે આગામી સપ્તાહે એફઆઈઆઈ જેવા મોટા રોકાણકારો નાના રીટેઇલર રોકાણકારો અને ટ્રેડરોને મંદીની જાળમાં ટે્રપ કરી શકે છે. રીટેઇલરોેને નેગેટિવ બનાવી મોટા મગરમચ્છો બજારમાં અચાનક તગડુ રિવર્સલ લાવીને ફસાવી શકે છે. છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય માર્કેટ ન્યુઝબેઈઝ ચાલી રહ્યું છે ત્યારે હવે ટેરિફના ન્યુઝ લગભગ ડિસ્કાઉન્ટ થઈ ચૂકયા છે. બેન્ક પોલીસી જાહેર થઈ ચૂકી છે તેમજ મોટા ભાગની કંપનીઓના પ્રથમ કવાર્ટરના પરિણામો પણ જાહેર થઈ ચૂકયા હોય, કોઇ વધુ નેગેટીવીટીની સંભાવનાઓ ઓછી છે ત્યારે બજાર અચાનક જ યુ-ટર્ન લઇ શકે છે.
ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.


