જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા કડક નિયંત્રણો લાડવામાં આવ્યા હતાં. જેમાં મંદિર, બાગ-બગીચા વગેરે પણ બંધ રાખવા ગાઇડલાઇન જાહેર કરાઇ હતી. ત્યારબાદ કોરોના સંક્રમણ ઘટતાં રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ આપવામાં આવતાં મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. જેને ધ્યાને લઇ જામનગરમાં આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના સાધુ ધર્મનિધિદાસ દ્વારા આજથી સવારે 8 થી 10 તથા સાંજે 5 થી 6 સુધી દર્શન માટે મંદિર ખોલવામાં આવ્યું છે. આજે વિશેષ આરતી યોજાઇ હતી. આજથી મંદિર ખુલતાં જ ભક્તો દર્શનાર્થે ઉમટયા હતાં અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્ટ સાથે દર્શન કર્યા હતાં. આ તકે મંદિરના સંચાલકો દ્વારા સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.