કેન્દ્ર સરકારે રાષ્ટ્રીયકૃત બેન્કો સામે ગ્રાહકોની અને ખાસ કરીને શૈક્ષણિક લોન નહી આપવા અથવા વિરોધ કરવા સહિતના મુદે આવી રહેલી ફરિયાદોમાં બેન્કોના કાન પકડીને આ પ્રકારની ફરિયાદો ફરી આવે નહી તે માટે તાકીદ કરી છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સીયલ સર્વિસ અને 12 રાષ્ટ્રીયકૃત બેન્કોના ટોચના અધિકારીઓ વચ્ચે ગત સપ્તાહે યોજાયેલી બેઠકમાં ગ્રાહકોની ફરિયાદોનો મુદો જ અગ્રસ્થાને રહ્યો હતો.
આ બેઠકમાં સરકારે તાકીદ કરી હતી કે છેક ઉચ્ચ કક્ષાએથી પણ બેન્કોની ગ્રાહક સેવા અંગે ફરિયાદો આવે છે જે ખાસ કરીને બેન્કો ખોટા અને સામાન્ય કારણોસર શૈક્ષણિક લોન નકારવામાં આવે છે અથવા મંજુર કરવામાં વિલંબ પણ કરવામાં આવે છે. બેન્કોને 15-30 દિવસમાં શિક્ષણ લોન મંજુર કરી દેવા તાકીદ કરવામાં આવી છે તથા રૂા.7.50 લાખ સુધીની લોનમાં કોઈ સ્થાવર મિલ્કત કે અન્ય જામીનગીરી નહી માંગવા પણ સૂચના અપાઈ છે.
કેન્દ્ર સરકારે શિક્ષણ લોનમાં વ્યાજ સબસીડી પેટે રૂા.21000 કરોડ આપ્યા છે જેમાં રૂા.4.50 લાખ સુધીની આવક ધરાવતા પરિવારને વ્યાજ સબસીડી યોજના લાગુ થાય છે. જો કે બેન્કોને ચિંતા શિક્ષણ લોનમાં વધતા જતા એનપીએની છે. આ પ્રકારની રૂા.7.50 લાખ કે રૂા.4.50 લાખની લોન લેનાર શકય તેટલી વહેલી નોકરી મેળવી શકતા નથી તથા તેઓ લોન રીપેમેન્ટમાં ડીફોલ્ટર થાય છે. 30 જૂનના આંકડા મુજબ રૂા.79900 ક્રોડના શિક્ષણ લોનમાં રૂા.6246 કરોડ એનપીએ થયા છે.