ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની પહેલી મેચ આજે મીરપુરમાં રમાઈ ગઈ હતી. જેમાં બાંગ્લાદેશે 1 વિકેટે રોમાંચક મેચમાં જીત મેળવી હતી. આ મેચનો હીરો મેહદી હસન મિરાજ રહ્યો હતો. તેણે એકલા હાથે ભારત પાસેથી મેચ ઝૂંટવી લીધી હતી. બાંગ્લાદેશે 187 રનના ટોર્ગેટને 46 ઓવરમાં 9 વિકેટેના નુક્સાને ચેઝ કરી લીધો હતો.
અગાઉ બાંગ્લાદેશે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. બાંગ્લાદેશનો આ નિર્ણય તેમના યોગ્ય ઠેરતા તેઓએ ટીમ ઈન્ડિયાને 41.2 ઓવરમાં 186 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 5 વિકેટ ઝડપી હતી. તો ઇબાદત હુસૈને 4 વિકેટ ઝડપી હતી. એક વિકેટ મહેદી હસન મિરાજને મળી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલ બનાવ્યા હતા. તેણે એકલાએ લડત આપી હતી અને 70 બોલમાં 73 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બાકીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.
બાંગ્લાદેશની 9મી વિકેટ 39.2 ઓવરે પડી હતી, ત્યારે ટીમને 51 રન જોતા હતા. 9 વિકેટ પડી ગઈ ત્યારે ભારત આરામથી જીતી જશે, તેવું લાગી રહ્યું હતું. જોકે મેહદી હસન મિરાજે કમાલ દેખાડતા 39 બોલમાં 38 રનના વિજયી ઇનિંગ રમીને એકલા હાથે ભારત પાસેથી મેચ ખેંચી લીધી હતી. અને બાંગ્લાદેશને જિતાડી દીધું હતું. બાંગ્લાદેશની 9મી વિકેટ પડી હતી, ત્યારે તેમને જીત માટે 51 રનની જરૂર હતી. ત્યારેસ ક્રિઝ પર મેહદી હસન મિરાજ અને મુસ્તફિઝુર રહમાન હતા. તેઓ બન્ને વચ્ચે 51* રનની પાર્ટનરશિપ થઈ હતી, અને મેચ તેમણે જીતી લીધી હતી. આ 10મી વિકેટ માટે રન ચેઝમાં ચોથી સૌથી મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. આ લિસ્ટમાં પહેલા નંબરે વેસ્ટઈન્ડિઝના ડેરેક મુરે અને એન્ડી રોબર્ટ્સ છે. 1975ના પ્રુડેન્શિયલ કપ (હવે વર્લ્ડ કપ)માં આ બન્ને ખેલાડીઓએ 10મી વિકેટ માટે 64* રન જોડ્યા હતા અને પાકિસ્તાન સામેની મેચ 2 બોલ બાકી રાખીને જીતી લીધી હતી. આ મેચમાં પાકિસ્તાને વેસ્ટઈન્ડિઝને 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે વેસ્ટઈન્ડિઝે 59.4 ઓવર (ત્યારે 60 ઓવરની વન-ડે મેચ રમાતી) ચેઝ કરી લીધો હતો. ત્યારે ડેરેક મુરેએ 76 બોલમાં 61* રન બનાવ્યા હતા. જ્યારે એન્ડી રોબર્ટ્સે 48 બોલમાં 24 રન કર્યા હતા. એ જ વર્ષે પહેલો વર્લ્ડ કપ રમાયો હતો. જેમાં વેસ્ટઈન્ડિઝે જીતી લીધો હતો.