જામનગર શહેરમાં પર્યુષણ પર્વ દરમિયાન ઉગ્ર તપશ્ચર્યા કરનાર જૈન તપસ્વીઓનું સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ ચાંદીબજાર લોકાગચ્છના વંડામાં તપસ્વીઓના પારણાં કરાવવામાં આવ્યાં હતાં. પર્યુષણ પર્વમાં જૈન સમાજના બન્ને ફિરકાઓમાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો દ્વારા જુદી-જુદી ઉગ્ર તપશ્ચર્યાઓ કરવામાં આવે છે. પર્યુષણની સમાપ્તી બાદ આ તપસ્વીઓનું બહુમાન કરી તેમની સન્માન યાત્રા યોજી વિધીપૂર્વક પારણાં કરાવવામાં આવે છે. જામનગર સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી અજયભાઈ શેઠના જણાવ્યા અનુસાર સંઘમાં કુલ 88 જેટલા તપસ્વીઓએ એકાસણાથી માંડીને માસક્ષમણ સુધીની તપશ્ચર્યા કરી છે. આ તમામ તપસ્વીઓની આજે બહુમાનયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ લોકાગચ્છના વંડામાં તપસ્વીઓને પારણાં કરાવી સંઘ તરફથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંઘના અગ્રણી અજયભાઇ શેઠ ઉપરાંત નિલેશ કગથરા સહિતના અગ્રણીઓના હસ્તે પારણાં કરાવવામાં આવ્યાં હતાં.આ પારણાંનો લાભ ધિરજબેન દલપતરાય વારિયા તેમજ યોગીભાઈ વારિયાએ લીધો હતો.