આજે ચંદ્રગ્રહણ હોવાથી દેશભરના મંદિરોના કપાટ બંધ રહેશે. ચંદ્રગ્રહણ નિમિત્તે ઉત્તરાખંડમાં ચાર ધામ પૈકીના એક ભગવાન બદ્રિનાથ મંદિરના કપાટ આજે વહેલી સવારે બંધ કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ દ્વારકાના પ્રસિધ્ધ જગત મંદિરના કપાટ બંધ થાય તે પહેલાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડયા હતા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં આજરોજ પૂનમના ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેનાર હોવાથી વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે બપોરથી ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સવારે 8 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી બંધ રહેનાર હોય, દ્વારકા ખાતે નિયમિત રીતે પૂનમ ભરતા તેમજ અન્ય શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ કાળિયા ઠાકોરના દર્શન કરી શકે તે માટે મંદિરના વહીવટના દ્વારા આજે સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આના અનુસંધાને સવારે ત્રણેક વાગ્યાથી દ્વારકાધીશ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
આજે દેવ દિવાળીની મોટી પૂનમ હોવાથી નિયમિત રીતે પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ પણ વહેલી સવારે જગત મંદિર ખાતે પહોંચી ગયા હતા. આ સમયે વ્યવસ્થા માટે મંદિર સુરક્ષાના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા ગતરાત્રિથી જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિરમાં દર્શન માટે બેરીકેટ સહિતનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રહણ નિમિત્તે ભક્તોએ વહેલા દર્શન તથા ગોમતી સ્નાન પણ કર્યું હતું.


