સુપ્રીમ કોર્ટે સરકારી હોસ્પિટલ્સમાં કામ કરતા આયુર્વેદિક ડોક્ટર્સને એલોપેથી ફિઝિશયનની સમકક્ષ ગણવાના અને તેમના જેટલો જ પગાર આપવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના 2012ના ચુકાદાને પડકારતી અરજીઓની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતે નિર્ણય જાહેર કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે આયુર્વેદિક ફિઝિશિયન્સને એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટર્સ સમકક્ષ જ ગણવાનો ચુકાદો આપ્યો હતો. જોકે, તેને રદ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આયુર્વેદિક ડોક્ટર્સ તેમજ વૈકલ્પિક કે સ્વદેશી ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવું જરૂરી છે, પણ બંને કેટેગરીના ડોક્ટર્સ સરખું કામ કરતા નથી અને એટલે તેમને સમાન પગાર આપી શકાય નહીં. જજ વી. રામસુબ્રમણ્યિન અને જજ પંકજ મિઠલની બેન્ચે જણાવ્યું હતું કે, એલોપેથી ડોક્ટર્સે ઇમરજન્સી ડ્યૂટી કરવાની હોય છે. તેમણે ગંભીર ઇજાના કેસમાં પણ દર્દીને તાત્કાલિક સારવાર (ટ્રોમા કેર) આપવાની હોય છે. એલોપેથી ડોક્ટર્સ જે વિજ્ઞાનના ઉપયોગ અને આધુનિક મેડિકલ ટેક્નોલોજીથી ઇમરજન્સી સારવાર આપે છે તે આયુર્વેદિક ડોક્ટર્સ આપી શકતા નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આયુર્વેદિક ડોક્ટર્સ માટે જટિલ સર્જરીમાં સર્જનની સહાય કરવાનું પણ શક્ય નથી. જ્યારે એમબીબીએસ ડિગ્રી ધરાવતા ડોક્ટર્સ આવું કરી શકે છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, અમારો અર્થ એવો નથી કે એક ચિકિત્સા પદ્ધતિ અન્યની તુલનામાં ચડિયાતી છે. એ અમારૂં કામ પણ નથી. અમે માત્ર મેડિકલ સાયન્સની બંને સિસ્ટમના ગુણોની તુલના કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે આયુર્વેદનો ઇતિહાસ ઘણી શતાબ્દીઓ જૂનો છે. દરેક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ ભવ્ય વારસો ધરાવે છે તેમાં અમને કોઈ શંકા નથી. જોકે, આજે સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના ડોક્ટર્સ જટિલ સર્જિકલ ઓપરેશન કરી શકતા નથી. એવી રીતે પોસ્ટ-મોર્ટમ કે ઓટોપ્સી પણ આયુર્વેદિક ડોક્ટર્સ દ્વારા કરાતી નથી. એટલે આયુર્વેદનું મહત્વ જાણવા છતાં આપણે એ ન ભૂલી શકીએ કે બંને કેટેગરીના ડોક્ટર્સ સમાન કામ કરતા નથી અને એટલે સમાન પગાર માટે હકદાર નથી.