Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતજામનગરના કલેકટરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર એનાયત

જામનગરના કલેકટરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર એનાયત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ : વર્ષ 2018-19માં શ્રેષ્ઠ કામગીરી બદલ કલેકટર ડો. સૌરભ પારઘીને પુરસ્કાર

- Advertisement -

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ ’ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે ’સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં તા.19 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ’સુશાસન સપ્તાહ’ની ઉજવણી કર્યા બાદ તા.25 ડિસેમ્બરના રોજ ’સુશાસન દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસે ભારતરત્ન અટલજીની જન્મજયંતિ હોવાથી તેમના મહાન કાર્યોની જ્યોતિ આજે પણ જ્વલિત રહે તે હેતુથી ’સુશાસન દિવસ’ મનાવવામાં આવે છે.

- Advertisement -

જે અંતર્ગત, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય સુશાસન દિવસની ઉજવણીમાં દરેક જિલ્લામાંથી ક્લેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ’ગરવી 2.0 પોર્ટલ’, ફિશ ક્રાફટ પોર્ટલ, મત્સ્યોદ્યોગ પોર્ટલ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ તેમજ અન્ય સેવાઓના નવનિર્મિત આધુનિક વેબસાઇટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સુશાશન દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરેલ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને રૂ.51,000નો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના વિકાસ માટે રૂ.40 લાખનો પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો. વર્ષ 2018-19માં જૂનાગઢ જિલ્લાના કલેકટર તરીકે સારી કામગીરી કરવા બદલ ડો. સૌરભ પારધીને જૂનાગઢ જિલ્લા માટે શ્રેષ્ઠ કલેકટરનો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. હાલ ડો. સૌરભ પારઘી જામનગર જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવી રહયા હોય, જામનગર જિલ્લા કચેરી ખાતેથી સર્વ અધિકારીઓએ ગાંધીનગર ખાતે આયોજિત સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ ઉપરાંત, લોકહિતલક્ષી કામોની બેસ્ટ પ્રેક્ટીસીસ આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બની રહે તે માટેના પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજા અને સરકાર વચ્ચેનું અંતર ઘટાડવું એ જ અમારી વિભાવના છે. સેવા સેતુ કાર્યક્રમ અને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેવા પગલાં લેવાથી આજે જન-જન સુધી એક વિશ્વાસ પહોંચ્યો છે કે સરકાર સતત તેમની સાથે છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હોય કે વિશ્વાસથી વિકાસ યાત્રા, દરેક જગ્યાએ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આજે 12 જેટલા વિવિધ વિભાગના અત્યાધુનિક સુવિધાઓથી સજજ ઓનલાઇન પોર્ટલ્સ અને સેવાઓ લોન્ચ કરવામાં આવી છે, તેનો એક જ ઉદ્દેશ્ય છે કે સરકાર હવેથી મોટા માણસો નહીં પરંતુ નાનામાં નાના માણસો સુધી પહોંચે. સુશાશન શબ્દની વિભાવના એ છે કે ત્વરિતતા અને પારદર્શિતા.. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષો પૂર્વે જે સુશાસનનો પાયો નાખ્યો છે, તેને વધુ મજબૂત કરવા અમારી ટીમ સતત કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓને વધુને વધુ માઈલસ્ટોન સાકાર કરવા માટે પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- Advertisement -

જામનગર જિલ્લામાંથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર તેમજ અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ કલેકટર ડો. સૌરભ પારધીને શ્રેષ્ઠ કલેકટર તરીકેનો પુરસ્કાર મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular