ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે 17 ખેલાડીઓની ટીમ પસંદ કરી લીધી છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ પર ફાઈનલ મુકાબલો રમાશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જાહેર કરેલી ટીમની કમાન પેટ કમીન્સના હાથમાં રહેશે. જ્યારે ઑલરાઉન્ડર મીચેલ માર્શની ચાર વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. ફાઈનલ માટે પસંદ કરાયેલી ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશેઝ શ્રેણીના પ્રથમ બે મુકાબલામાં પણ ઉતરશે. જ્યારે અંતિમ ત્રણ ટેસ્ટ માટે ટીમની પસંદગી બાદમાં કરવામાં આવશે.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલી ટીમમાં જોશ ઈંગ્લીશ અને માર્કસ હેરિસની પણ વાપસી થઈ છે. હેરિસને ઓપનર બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સીનિયર બેટર ડેવિડ વોર્નર ભારતીય પ્રવાસે ટેસ્ટ શ્રેણીમાં સારૂં પ્રદર્શન કરી શક્યો ન્હોતો આમ છતાં તે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
ફાસ્ટ બોલરોની વાત કરવામાં આવે તો પેટ કમીન્સ ઉપરાંત મીચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને સ્કોટ બોલેન્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર તરીકે મીચેલ માર્શ અને કેમરુન ગ્રીનને તક અપાઈ છે. આવી જ રીતે સ્પીનર નાથન લાયન અને ટોડ મર્ફીને જગ્યા મળી છે. એલેક્સ કેરી અને કેમરીન ગ્રીન ઉપરાંત બોલેન્ડ પહેલીવાર એશેઝ શ્રેણી રમવા માટે તૈયાર છે. વિકેટકિપર-બેટર જોશ ઈંગ્લીશ ટીમમાં સામેલ એકમાત્ર અનકેપ્ડ ખેલાડી છે. તેણે અત્યાર સુધી એક પણ ટેસ્ટ રમી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ 16 જૂનથી એઝબેસ્ટનમાં જ્યારે બીજી ટેસ્ટ 28 જૂનથી લોર્ડસમાં રમાશે. ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઑસ્ટ્રેલિયન ટીમ પેટ કમીન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરુન ગ્રીન, માર્ક હેરિસ, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીશ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, મીચેલ માર્શ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન), મીચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર