હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર દ્વારા ઇતિહાસ, પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કરનારા પરંતુ બહુ ઓછા જાણીતા અને આ ક્ષેત્રોમાં પોતાનું જીવન અર્પણ કર્યું હોય તેવા લોકો માટે ગાંધીનગર ખાતે વારસો એવોર્ડ-2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોના 86 કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી જામનગર જિલ્લાના પાંચ કલસાધકોને સન્માનિત કરાયા હતા.
જામનગરમાં રહેતા કિશોર પીઠડીયા છેલ્લા 20 વર્ષથી હેરિટેજ અને પર્યટન સ્થળોની ફોટોગ્રાફી કરે છે. તેમને તસ્વીરોના માધ્યમથી વારસાના જતન સંદર્ભે પસંદગી પામવા બદલ જાણીતા લેખત અને ચિંતક એવા શ્રી કિશોર મકવાણાના હસ્તે અતુલ્ય વારસો એવોર્ડ-2022 અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. વ્યવસાયે શિક્ષક પરંતુ ફોટોગ્રાફીમાં રસ ધરાવનાર કિશોર પીઠડીયાને અત્યાર સુધી 5 એવોર્ડ, ચાર એક્ઝિબિશન, ત્રણ ગ્રુપ શો, 12 જેટલા પુસ્તકો તેમજ માહિતી ખાતાના પ્રકાશનોમાં તેમની તસ્વીરો સ્થાન પામી છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના કપિલ ઠાકર, અનાર પટેલ, સામાજિક કાર્યકર્તા સાહિત્ય અકાદમીના ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.