જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ચાલતી મિત્રની માથાકૂટમાં વચ્ચે પડેલા યુવાનને ત્રણ શખ્સોએ ગાળો કાઢી પતાવી દેવાના ઈરાદે છરીના આડેધડ ઘા ઝીંકયાના બનાવમાં પોલીસે ત્રણ શખસો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી શાસ્ત્રીનગરમાં રહેતાં મૂળરાજસિંહના ભત્રીજા બ્રિજરાજસિંહના મિત્ર હરપાલને જેકી ચુડાસમાની બહેન સાથે બોલવાના સંબંધ હોવાની જાણ જેકીને થઈ ગઈ હતી. જેથી જેકી તેનો મિત્ર કરણ સોલંકી અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સો બ્રિજરાજસિંહના મિત્ર હરપાલ સાથે સોમવારે રાત્રિના માથાકૂટ ચાલતી હતી તે દરમિયાન બ્રિજરાજસિંહ વચ્ચે છોડાવવા પડયો હતો જે બાબતનો ખાર રાખી જેકી ચુડાસમા, કરણ સોલંકી અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ બ્રિજરાજસિંહ ને ગાળો કાઢી છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ કે.એસ. મણિયા તથા સ્ટાફે મુળરાજસિંહના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.