જામનગર તાલુકાના લોઠિયા ગામમાં ડીજેની લાઇટ ચાલુ રાખવાની બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખી ગત્ મદ્યરાત્રિના ખંભાળિયા ગેઇટના આર્યસમાજ પાસે ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના વિયાના પાર્ક, ન્યુ એસી ફુટ રોડ ઉપર રહીને મજૂરીકામ કરતાં કપિલભાઇ વલ્લભભાઇ બાહુકિયા (ઉ.વ.35) નામના યુવાનને ગત્ તા. 18ના રોજ જામનગર તાલુકાના લોઠિયા ગામમાં ડીજેની લાઇટ ચાલુ રાખવા બાબતે જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુર્યા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખી કપિલ રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં આર્યસમાજ રોડ ઉપરથી જતો હતો તે દરમિયાન જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુર્યા, અનુ ઉર્ફેે લાલો માનસુર્યા તથા બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને કપિલને આંતરીને લોખંડના પાઇપ વડે હુમલો કરતાં કપિલ ચાલુ બાઇક પરથી નીચે પટકાયો હતો. ત્યારબાદ એક પછી એક જીવલેણ ઘા ઝિંકયા હતા. ઉપરાંત અજાણ્યા શખ્સોએ લોખંડના બોલ્ટ વડે હુમલો કર્યો હતો. અન્ય શખ્સે છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ચાર શખ્સો દ્વારા જૂની બોલાચાલીનો ખાર રાખી મજૂરીકામ કરતાં યુવાન ઉપર લોખંડના પાઇપ, લોખંડનો કોઇતો, બોલ્ટ અને છરી વડે હુમલો કરાતા કપિલ ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારબાદ કપિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફએ જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુર્યા, અનુ ઉર્ફેે લાલો માનસુર્યા તથા બે અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોર શખ્સોની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.


