જામનગર શહેરમાં હવાઈ ચોક નજીક બાકી વિજબીલના નાણાં માટે રીકવરી તથા વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિજગ્રાહકે ઉશ્કેરાઈ જઇ માથાકૂટ કરી વિજ કર્મચારી ઉપર સ્કુટર ચડાવી દેવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ વિજ ગ્રાહકે ઈજનેર સમક્ષ રૂબરૂ માફીપત્ર લખ્યો હતો. અને વીજ તંત્ર દ્વારા મકાન-દુકાનના જોડાણ કટ કરી બાકીની રકમનો ચેક લખાવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોનની પેટા કચેરી હેઠળના વિસ્તારમાં વીજ બીલના નાણાંની રિકવરી માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે કચેરીના કર્મચારી આર. એન. ચોપડા અને લાઇનમેન હવાઈ ચોકથી આગળ દેનાબેંક સામેની શેરીમાં વીજબીલના નાણાંની રિકવરી અને જોડાણ કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જે વેળાએ એક વર્ષથી બીલના નાણાં નહીં ભરતા કલ્પેશ કનખરા નામના વીજગ્રાહકએ વીજ બીલના નાણાં ભરવાની સ્થળ પર ના પાડી હતી. તેથી તેનું વીજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી હતી. કર્મચારીએ થાંભલેથી છેડો કાપતા જ ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો અને ચાલુ ફરજના કર્મચારી ઉપર બાઈક ચડાવીને ઈજા પહોંચાડવાની કોશિષ કરી હતી તેમજ ગાળાગાળી કરીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ મામલો સીટી એ પોલીસ મથકે પહોંચ્યો હતો. બાદમાં ગ્રાહક તથાા અન્ય આગોવાનોએ કચેરીનો સંપર્ક સાધીને નાયબ ઈજનેર અજય પરમારની રૂબરૂમાં માફીપત્ર રજૂ કર્યુ હતું. જે બાદ નાયબ ઈજનેરે સ્ટાફને સાથે રાખીને વીજ ગ્રાહકના ઘર અને દુકાન એમ બંને જગ્યાના જોડાણ કાપીને દુકાનનું વીજ મીટર ઉતારીને જમા કરાવ્યું હતું. સાથે સાથે બાકીની લેણીની રકમની ચેક પણ જમા કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.