જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા બાબતે થયેલી માથાકૂટમાં સમજાવવા ગયેલા યુવાનની ઓફિસ પર આવી સાત શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા ઈમ્તિયાજ કુરેશી નામના વેપારી યુવાનના સાળા અક્રમ સાથે રેહાન ઈકબાલ બેલીમએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવા બાબતે માથાકૂટ થઈ હતી. જે સંદર્ભે અક્રમના બનેવી ઈમ્તિયાઝે રેહાનને ફોન કરી સમજાવવા જતા બન્ને વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી રવિવારની મધ્યરાત્રિના સમયે રેહાન બેલીમ, દાનિશ જઉર બેલીમ, રઉફ ગુલામ બેલીમ, ગુલામ ઉર્ફે રાજાબાબુ જમાલ બેલીમ, અલ્મોઇન જઉર બેલીમ અને બે અજાણ્યા સહિતના સાત શખ્સોએ એકસંપ કરી ઈમ્તિયાઝની ઓફિસ પર જઈ ઘાતક હથિયારો વડે હુમલો કરતાં ઈમ્તિયાઝના ભાઈ નવાઝ ઉપર છરી વડે પેટમાં, હાથમાં તથા તલવાર વડે બન્ને પગના ગોઠણમાં અને લાકડાના ધોકા વડે તથા પાઈપ અને તલવાર વડે હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરી હતી.
સાત શખ્સો દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં નવાઝ કુરેશી ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ઈમ્તિયાઝ કુરેશી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે સાત શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.