જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક વચ્ચે પડવાની બાબતે યુવકની હત્યાની ઘટના બાદ બીજા દિવસે સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતાં માતા અને ભાઈ ગમતા ન હોવાથી ઉશ્કેરાયેલા ભાઈએ તેના સગા ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક વચ્ચે પડવાની બાબતે યુવક ઉપર જીવલેણ હુમલો કરતાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવમાં હત્યામાં પલ્ટાયો હતો. હત્યાના બનાવ બાદ સી ડીવીઝન વિસ્તારમાં વધુ એક જીવલેણ હુમલાની ઘટના બની છે. જેમાં જામનગરના સિધ્ધાર્થનગર શેરી નં.1 મા વુલનમીલ ફાટક પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં શૈલેષ તેજાભાઈ સાગઠીયા અને તેની માતા બાલુબેનને મકાનમાં તેનો જ સગો ભાઈ સવજી ઉર્ફે કાનો રહેવા દેતો ન હતો અને મા તથા ભાઈ ગમતા ન હોવાથી અવાર-નવાર બન્ને સાથે ઝઘડો કરતો હતો. દરમિયાન આ ઝઘડાનું મનદુ:ખ રાખી મંગળવારે રાત્રિના સમયે શૈલેષ સાગઠીયા (ઉ.વ.30) નામના યુવાનને તેના ઘર પાસે આંતરીને તેના જ સગાભાઇ સવજી ઉર્ફે કાનાએ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે ડાબા પગના સાથળમાં, છાતીમાં તથા આંખમાં નેણ ઉપર જીવલેણ હુમલો કરતા ઘવાયેલા શૈલેષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની જાણ થતા પીએસઆઈ વી.બી.બરબસીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ ઈજાગ્રસ્ત શૈલેષના નિવેદનના આધારે તેના જ સગા ભાઈ સવજી વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.